"હીના ને iPhone જ જોશે" 14મિનિટનો આ વાર્તાલાપ દીકરી-દીકરાના માતા-પિતાને અને સમાજને ઘણું-ઘણું કહી જાય છે.

 


સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલી એક 10 મિનિટની અને બીજી 4 મિનિટની ક્લિપ ધ્યાનપૂર્વક સાંભળી. 14મિનિટનો આ વાર્તાલાપ દીકરી-દીકરાના માતા-પિતાને અને સમાજને ઘણું-ઘણું કહી જાય છે.

ઓડિયો સાંભળવા માટે આ લાઈન પર ક્લિક કરો

જેની હજુ સગાઈ થઈ છે એવી એક છોકરીની મોટીબેન પ્રથમ 10 મિનિટ છોકરાના પપ્પા સાથે અને પછી 4 મિનિટ છોકરાની મમ્મી સાથે વાત કરે છે. ઘણા મિત્રોએ આ વાતચીતની ઓડિયો ક્લિપ સાંભળી જ હશે. વાતનો મૂળ મુદ્દો એ હતો કે સગાઈ બાદ છોકરાએ છોકરીને MIનો સ્માર્ટ ફોન ગિફ્ટમાં આપ્યો પણ છોકરીની  બહેન એવું કહે છે કે 'આ તો સાવ સામાન્ય કંપનીનો મોબાઈલ છે બીજી કોઈ સારી કંપનીનો ફોન આપવો જોઈએ. મારી બહેન તો આઈફોનનો વિચાર કરતી હતી પણ એને MIનો ફોન મળ્યો. જો એની ફ્રેન્ડ્સ એને પૂછે કે તને તારા ફિયાન્સે કયો ફોન આપ્યો ? તો છોકરી શુ જવાબ આપે ? એને બિચારીએ એની ફ્રેન્ડ્સ સામે નીચે જોવાનું થાય અને એની આબરૂ જાય'  


સાલું આપણી આબરુનો અંદાજ મોબાઈલના આધારે નક્કી થશે ? જો એવું જ હોય તો તો ડો.કલામ, રતન ટાટા વગેરે જેવા મહાનુભાવો આબરૂ વગરના ગણવાના ને ? કારણકે એ તો સામાન્ય મોબાઈલનો ઉપયોગ કરતા અને કરે છે. આપણામાંથી મોટાભાગના લોકો તો સામાન્ય મોબાઈલમાં જેટલા ફીચર્સ આપવામાં આવે છે એનો પણ પૂરતો ઉપયોગ કરતા નથી/કરતા આવડતું નથી. હજુ તો સગાઈ વખતે જ આવી અપેક્ષાઓ હોય તો લગ્ન પછી તો શું થાય ? છોકરીની બહેન વાત કરતા એમ પણ કહે છે કે 'અમારા ઘરે મારી બહેન જે વસ્તુ પર હાથ મૂકે એ એના માટે હાજર થઈ જાય.' સંતાનોની ઈચ્છાઓ જરૂરથી પૂરી કરીએ પણ અમુક વસ્તુઓ વગર પણ જીવન મોજથી જીવી શકાય એનો અનુભવ પણ દીકરા-દીકરીને કરાવવો જોઈએ જેથી વિપરીત પરિસ્થિતિમાં પણ ટકી રહેવાય.


છોકરાના પરિવારે સગાઈ તોડી નાખવાનો જે નિર્ણય કર્યો એ મારા મતે ઉત્તમ નિર્ણય છે. 14 મિનિટના આ વાર્તાલાપમાં છોકરાના મમ્મી જે જવાબ આપે છે એ એના પરિવારની ખાનદાની અને સંસ્કારનો પરિચય કરાવે છે. છોકરાના મમ્મી કહે છે કે 'ભવિષ્યમાં બીજી મોટી માંગણીઓ પણ થાય જે પૂરી કરવાની અમારી કેપેસિટી નથી એટલે અહીંયા જ સંબંધ પૂરો કરીએ અને અમે ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરશું કે તમારી બહેનની બધી જરૂરિયાતો સંતોષાય એવું સમૃદ્ધ સાસરું મળે જેથી એ સુખી થાય'.


આપણે આપણા સંતાનોને શિક્ષણની સાથે સાથે એ સમજ પણ આપવી જોઈશે કે  દામ્પત્યજીવનની સફળતા અને મધુરતાનો આધાર માત્ર સુવિધાઓ પર  નહીં પણ સમજણ પર છે.


*~શૈલેષ સગપરિયા*

Comments

Popular posts from this blog

પિતાની નાનકડી એવી કરીયાણાની દુકાનને પુત્રએ થોડા જ સમયમાં મોટી આવકનું સાધન બનાવી દીધું.

ગુજરાતમાં નહીં થાય લોકડાઉન : સીએમ રૂપાણીની મોટી જાહેરાત, દરરોજ 7 હજાર ટેસ્ટ કરવાનો લક્ષ્યાંક

ખેડૂતોને મળશે હોળીની ભેટ, તહેવાર પહેલા જ આવી જશે PM-KISANનો 8મો હપ્તો, ચેક કરો લિસ્ટમાં તમારું નામ